"કંકાવટી"ઝવેરચંદ મેઘાણી નવલિકા સંગ્રહ-પોષી પૂનમ
"કંકાવટી"ઝવેરચંદ મેઘાણી નવલિકા સંગ્રહ-પોષી પૂનમ આ જ તો પોષ મહિનાની પૂનમ આવી છે. ભાઈની નાની બહેન આજ આખો દી ઉપવાસ કરશે. આજ તો બહેન પૂનમ રહી છે. થાપેલાં છાણાંથી તો રંધાય નહિ, એટલે બહેન સૂંડલી લઈને વગડામાંથી અડાયાં વીણી લાવે છે. સાંજે એક બોઘરણું ને એક લોટો લઈને પોતે જ નદીએ પાણી ભરવા જાય છે. જતી જતી ગાય છે કે - પોષ મહિનાની પૂનમે રે અગાસે રાંધ્યાં અન્ન, વા'લા! જમશે માની દીકરી રે પીરસે બેનીનો વીર, વા'લા! ઊટકીને એનું અરીસા જેવું નાનું બેડું ભરી આવે છે. સાંજે તો બહેન નાહી છે, ધોઈ છે, બહેને તો અગાસીએ ચૂલો માંડ્યો છે. બહેન રસોઈ કરે છે: અગાસી હોય તો અગાસીએ ,નીકર છાપરા વગરની ગમે તે જગ્યાએ: પણ ઉઘાડા આભ નીચે. સોળે કળાનો ચંદ્રમા ચડ્યો છે. બહેનના રાંધણામાં તો તેના કિરણોમાંથી અમી વરસે છે. હોંશભરી બહેન રાંધે છે. અને રાંધણું પણ શું? પહોંચ હોય તો ચૂરમું, ને ન પહોંચ હોય તો ચોખા. એને મન તો ચોખા પણ બત્રીસ જાતનાં બોજન જેવા મોંઘેરા છે. બીજી બનાવે છે ઘઉંની એક ચાનકી. ચાનકીની વચ્ચોવચ પાડે છે એક કાણું. ચાનકી ચંદ્રમા આડે ધરી, કાણા વચ્ચેથી ચંદ્રમાની સામે નિહાળીને બહેન બોલ...